પ્રાણ એક સ્મરણ પુસ્તક પરબ માણાવદર નો શબ્દરૂપી અંજલી આપવાનો વિનમ્ર પ્રયાસ……….

Share this:

જુનાગઢ તા પ્રકાશદવે દ્વારા
પ્રાણ એક સ્મરણ પુસ્તક પરબ
માણાવદર નો શબ્દરૂપી અંજલી આપવાનો વિનમ્ર પ્રયાસ……….
માણાવદર 19/05/2021 ના રોજ સ્વ. પ્રાણલાલ વ્યાસની 81 મી જન્મજયંતિ અને એ નિમિત્તે પુસ્તક પરબ માણાવદર દ્વારા તેમને શબ્દો રૂપી અંજલિ આપવાનો એક વિનમ્ર પ્રયાસ થયો……….
મિત્રો, નવી પેઢીને કદાચ આ વાત સમજવી અઘરી લાગે કે એ સમય કે જ્યારે લોકોના ઘરે ટી.વી. ની સુવિધા પણ નહોતી, બહુ ઓછી જગ્યાએ થિયેટર હતાં. મોટાભાગે રેડિયોથી કામ ચાલતું , એવા સમયે એક બહોળા વર્ગને ગુજરાતી લોક સાહિત્યનો ખૂબ નિકટથી પરિચય કરાવનાર તે પ્રાણલાલ વ્યાસ…
ગુજરાતના ખૂણે ખૂણે અને પછી તો દેશ વિદેશમાં જ્યાં જ્યાં પ્રાણલાલના કાર્યક્રમો યોજાયા, ત્યાં ત્યાં વહેલી સવાર સુધી શ્રોતાઓ હકડેઠઠ બેઠાં હોય, ઋતુને અનુસાર સાધન સામગ્રી પણ સાથે લાવ્યા હોય, બીડીના બંધાણીઓએ આગોતરું આયોજન કરીને એક એક જૂડી સાથે લીધી હોય, અને દૂર દૂરના ગામડાઓમાંથી ક્યાં વાહનમાં જવું તે અગાઉથી નક્કી થઈ ગયું હોય. કાર્યક્રમ શરૂ થાય ત્યારે માત્ર ઔપચારિક જાહેરાત અને પરિચય હોય, ક્યાંય મીડિયા કવરેજ વાળા ન હોય એવા અસંખ્ય કાર્યક્રમો નજરે જોનાર જૂની પેઢી આજે પણ હયાત છે. કોરોના કાળમાં સામાજિક અંતર રાખીને મળીએ છીએ , પણ એ સમયે કાર્યક્રમમાં એક પણ કોરો ના રહી જાય એવો પ્રાણભાઈનો ભાવ હતો !!
માણાવદર સાથે જન્મ અને કર્મ બન્નેથી જીવનભર નાતો રહ્યો, માણાવદરની તાલુકા શાળામાં પ્રાથમિક કક્ષાના બે/ચાર ધોરણ સુધીના અભ્યાસ પછી નિયતિએ એમની પાસેથી કાંઈક જુદું જ કામ લેવું હોય બાહ્ય અભ્યાસ કરતાં આ કલાકારે સૂરની સાધના સમર્પિત ભાવે કરી અને જીવનભર પ્રામાણિકપણે પોતાનું કર્મ બજવ્યું એ નાનીસૂની વાત નથી. એટલે વિશ્વભરમાં ઠેકઠેકાણે કાર્યક્રમો થયા છતાં માણાવદરને તેઓ કદી ન ભૂલ્યા.
લોક સાહિત્ય દરેક ભાષામાં હોય છે. અને એ પીરસનારા કલાકારો પણ હોય જ. ગુજરાતી સાહિત્યમાં માત્ર ભજનો કે દોહરા જ નહીં, પણ ગઝલ, કવ્વાલી, પ્રભાતિયાં એવા જુદા જુદા સ્વરૂપોને સફળ રીતે રજૂ કરી શકનાર કલાકાર એટલે પ્રાણલાલ વ્યાસ.
અને મને એમ કહેવાની ઈચ્છા થાય કે મહાદેવ મંદિર માણાવદર અને પૂ. રઘુવીરદાસજી બાપુ પ્રત્યેનો તેમનો જે અહોભાવ હતો, અને મહાદેવના સાન્નિધ્યમાં જે અગણિત કાર્યક્રમો યોજાયા તેમાં પ્રાણભાઈના ભક્તિભાવના પરિપાકરૂપે પ્રકૃતિએ તેમને ચિરંજીવી સ્વર બક્ષ્યો અને એટલું જ નહીં પણ દેશના સીમાડાઓ ઓળંગીને વિદેશમાં પણ તેમની નામના થઈ.
ભજન હોય કે ગઝલ, સાખી હોય કે કવ્વાલી એ સાચા અર્થમાં તો કલાકારના અવાજથી જ જીવંત થઈ ચિર સ્મરણીય બનતી હોય છે, અને પ્રજાને જીવનબોધ આપતી હોય છે. એવી અગણિત રચનાઓને મૌલિક રીતે રજૂ કરવા માટે આ કલાકારે કેટલો રિયાઝ કર્યો હશે, અને એ પણ પ્રાથમિક કક્ષાના અપૂર્ણ અભ્યાસ સિવાય બીજું કાંઈ જ નહીં… અને ગુજરાતી તો ઠીક પણ હિન્દી અને ઉર્દૂ ભાષામાં શબ્દોનું ઉચ્ચારણ એટલે કે તલફ્ફુઝની અદાયગી બહુ મહત્વનો ભાગ ભજવે છે, ત્યારે એ સ્વરૂપને પણ ખૂબ સફળ રીતે તેમણે રજૂ કર્યા એને નિયતિ તરફથી મળેલી ભેટ નહિ તો બીજું શું કહી શકાય ?
અદ્દભુત વ્યક્તિત્વ ધરાવતો આ અદનો કલાકાર ગળામાં રુદ્રાક્ષની માળા અને હાથમાં વીંટીઓ ધારણ કરી ખરજવાળા રવ સાથે જ્યારે કાર્યક્રમમાં સ્ટેજ પર ઉપસ્થિત થાય ત્યારે ચારે તરફથી લોકોનો પ્રેમ, ઉમળકો અને હરખ ” પ્રાણિયો આવી ગયો” એવા શબ્દોમાં દેખાઈ આવતાં.
અને આ વાત તો માત્ર કાર્યક્રમો પૂરતી થઈ, પણ જીવાતા જીવનમાં કોઈ પણ બાહ્ય ઝાકમઝોળ વગર આ કલાકારે આંતરિક રીતે ફકીરી જીવન જીવી માત્ર સૂરની સાધના અને સમાજ સેવા કરી. એક પછી એક કાર્યક્રમોમાં ઘરનું મોટા ભાગનું મેનેજમેન્ટ તેમના પત્ની ઇન્દુબેને જ સંભાળ્યું, સાચવ્યું અને સંવાર્યું એ પણ એક મોટી સમાજસેવા જ છે. કલાકારોનો કાફલો મોડી રાતે કાં વહેલી સવારે જ પાછો ફરે ત્યારે તેમને ચા પાણીથી લઈ જમાડવા સુધીની જવાબદારી વર્ષો સુધી એકલે હાથે માત્ર સમર્પિત ભાવે બજાવવી એ નાની સૂની વાત નથી.
આ કલાકારે આમ પ્રજાનો પ્રેમ મેળવ્યો, કોઈ પણ ચૂંટણી લડ્યા વગર. તેણે લોકોના દિલ પર રાજ કર્યું કોઈ પણ જાતની જાહેરાત વગર. ટીલા ટપકાં અને ટોપીથી દૂર રહીને પણ બિનસાંપ્રદાયિક ધર્મ કઈ રીતે નિભાવી શકાય કે હાજી રમકડું અને પ્રાણભાઈની જુગલબંધીથી અનુભવી શકાય. વર્ષો સુધી આ જોડીએ મૂક રીતે સામાજિક એકતા અને સમાનતાનું એક જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું તેની નોંધ લેવી ઘટે.
આ કલાકાર વિશે જેટલું લખીએ એટલું ઓછું પડે કારણકે એ લોકોના હૃદયમાં જીવે છે, ધબકે છે અને એટલે જ સાંઈરામ દવે, ડૉ. જગદીશ ત્રિવેદી, મયુરભાઈ રાવલ, ડૉ. મહેશ મૈત્રા કે ભરતભાઇ મેસિયા જ્યારે પ્રાણભાઈ વિશે કાંઈક વાત કરે ત્યારે વાતનો વ્યુ અને રિવ્યુ જુદા હોય શકે, પણ ઓવરવ્યુ એક જ હોય કે આવો કલાકાર હવે આ પૃથ્વીપટ પર ફરી મળવો શક્ય નથી.
કોઈ પણ જાતની અપેક્ષા વગર શુદ્ધ રીતે સાહિત્ય અને સમાજની સેવા કરવી હોય તો આ કલાકારના જીવન પ્રસંગો જોવા, કુદરતે આપેલી ભેટને વિનમ્ર ભાવે સાક્ષીભાવે માત્ર નિમિત્ત બનીને કઈ રીતે પહોંચાડવી એ અનુભવવું હોય તો આ કલાકારનું જીવનદર્શન કરવું. કયાંક કોઈ ફરિયાદ કે દોષારોપણ કર્યા વગર માત્ર પોતાના કાર્યને પ્રામાણિક રીતે કઈ રીતે વળગી રહેવું એનો અભ્યાસ પ્રાણના પ્રાણવાન જીવન પરથી કરવો ઘટે.
આવા મહાન કલાકારના જીવન પર ખૂબ ઓછું લખાયું છે, આપણી કરુણતા કહો કે ઉપેક્ષા વૃત્તિ પણ આ કલાકારની સાધનાની નોંધ જે રીતે વિશ્વ સમક્ષ મૂકાવવી જોઈએ એ મૂકી શકાઇ નથી. ગુગલ પર પણ તેમના જીવનની અંતરંગ વાતો ઉપલબ્ધ નથી, ત્યારે રણમાં વીરડી સમાન જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના લેક્ચરર શ્રી ભરત મેસિયા દ્વારા સંકલિત “પ્રાણ : એક સ્મરણ” પુસ્તકમાં તેમના જીવન અને કવનને સમાવવાનો સફળ અને ઉત્તમ પ્રયાસ થયો એ સ્તુત્ય બાબત છે. પ્રાણના પ્રેમીઓએ આ પુસ્તક ચોક્કસ વાંચવું/ મમળાવવું ઘટે. પ્રાણલાલના જન્મથી તેમની વિદાય સુધીની યાત્રાને ભરતભાઇએ આ પુસ્તકમાં વણી છે અને માત્ર પોતાની જ વાત નહિ પણ તેમના ચાહકો પૈકી ગુજરાત ભરના સંતો, સાહિત્યકારો, કલાકારો, પત્રકારોની વાતને સંકલિત કરી છે , ત્યારે પુસ્તક પરબ માણાવદર દ્વારા પ્રાણભાઈને શબ્દો રૂપી અંજલિ અર્પવા ” પ્રાણ : એક સ્મરણ” થી ચડિયાતું બીજું શીર્ષક શું હોય શકે, .માટે જ આ શીર્ષકથી આપણે PUSTAK PARAB MANAVADAR યુ ટ્યુબ ચેનલ પર “પ્રાણ : એક સ્મરણ”ના જુદા જુદા ભાગ મૂક્યા છે,
પ્રાણની પરમ ચેતનાને વંદન
ઈમ્તિયાઝ કાઝી
પુસ્તક પરબ માણાવદર
તસવીર અહેવાલ પ્રકાશદવે જુનાગઢ

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સુઈગામ તાલુકા ના સરહદી વિસ્તાર પાડણ ગામે બસ સેવા ચાલુ કરવા લોકો ની માંગ

Thu Jul 15 , 2021
Share this:

You May Like

Breaking News

July 2021
M T W T F S S
« May    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031